Subscribe Us

હેલ્લો નમસ્કાર !!!!!!!!!!! Education guru બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે..........

વાદાત્મક ગદ્ય - વિશે માર્ગદર્શન ......

વાદાત્મક ગદ્ય - કેટલુક માર્ગદર્શન ......



 ' વાદાત્મક ગદ્ય ' એટલે વાદવિવાદ કરનારું અથવા ચર્ચા કરનારું ગદ્ય લખાણ . આપેલ ગદ્યખંડમાં જે જે મુદ્દા ચર્ચાસ્પદ હોય ત્યાં તમારે દલીલો કરીને તમારું મંતવ્ય એના સમર્થન માટે રજૂ કરવાનું હોય છે .


પોતાની વાતને જ્યારે દલીલના રૂપમાં , તર્કના રૂપમાં , આક્ષેપ કે બચાવના રૂપમાં રજૂ કરવાની હોય છે ત્યારે વાદાત્મક ગદ્યનો ઉપયોગ થતો બહુધા જોવા મળે છે .



 આ પ્રશ્નના ઉત્તરમાં પરીક્ષકો તમારી પાસેથી , ઓછામાં ઓછી નીચેના જેવી અપેક્ષાઓ તો રાખે જ : 


વર્ણનાત્મક ગદ્યની સરખામણીમાં વાદાત્મક ગદ્ય , કોઈ એક કે એકથી વધારે મુદ્દાઓ માટે દલીલો કરતું હોય એ રીતે લખાયેલું હોવું જોઈએ .

 



દલીલો સીધી અથવા તર્કના રૂપમાં રજૂ કરાય છે . દલીલો માટેના મુદ્દાને સમર્થન આપવા પેટા મુદ્દાઓ અને પેટા દલીલોનો ઉપયોગ થયેલો હોવો જોઈએ .


 દલીલોનો ઉપયોગ કરતી વખતે તમારે એમ માનીને ચાલવાનું હોય છે કે આ મુદ્દાનો એક સામો પક્ષ ( વિરોધ પક્ષ અથવા વિપક્ષ ) છે અને તે પક્ષ પણ પોતાની અમુક દલીલોનું સમર્થન કરનાર છે . તેથી તેની દલીલોને તોડી નાખવા કે એનો પ્રભાવ ખંડિત કરવા તમારે મરણિયો પ્રયત્ન કરવાનો છે . 


વાદાત્મક ગદ્યમાં તમે , આપેલ ગદ્યખંડને મઠારીને પુનઃ લખો ત્યારે એમાં વચ્ચે વચ્ચે , યોગ્ય વળાંકો પર , તમારે નીચેના જેવાં પદો કે શબ્દસમૂહો વાપરવા જોઈએ .


 : ‘ એ વિશે બેમત નથી , ’ ‘ એમાં કોઈને શંકા નથી ; ’ ‘ એ વિશે સૌ સંમત છે ; ' ' આ તો સ્વીકાર્ય બાબત છે ' ; ' એ વિશે તો વિરોધીઓ પણ સંમત થશે ; ' ' એમાં શંકાને સ્થાન જ નથી ' , ' એની વિરુદ્ધમાં કોઈ દલીલ નથી ; ’ ‘ આનો કોઈ વિકલ્પ નથી ; ' ' એ તો દીવા જેવું સ્પષ્ટ છે ; ' ' હાથ - કંકણને આરસીની શી જરૂર ?; ’ ‘ એ તો નગ્ન સત્ય છે ' , ' એ તો એક ને એક બે જેવી વાત છે ; ’ ‘ એ તો સર્વવિદિત છે ' ; વગેરે ....


દલીલોને નકારાત્મક પ્રશ્નો રૂપે અથવા ક્યારેક સીધા પ્રશ્નો રૂપે રજૂ કરવી જોઈએ . આ પ્રશ્નો રજૂ કરતી વખતે કેટલીક બાબતો માની લીધેલી હોય એ રીતે રજૂઆત થાય એ અપેક્ષિત છે . 


લખાણને અંતે તારણો અથવા સારાંશ આપવો જોઈએ અને આ તારણો ઉપર ખૂબ તર્કબદ્ધ રીતે અવાયું છે એવું કહેવા માટે , ‘ એ તો સાબિત થઈ ચૂકેલું છે ; ' ' બોલતો પુરાવો છે ; ’ ‘ પુરાવાની કોઈ જરૂર નથી ’ , એવા શબ્દપ્રયોગો વાપરવા .


 બે વિરોધી લાગતા વિચારોને રજૂ કરતાં વાક્યો સાથે સાથે મૂકવાનાં હોય ત્યારે તેમને વચ્ચે ' છતાં ' , ' તો પણ ' , ' પરંતુ ' , ' ઉપરાંત ' જેવાં સંયોજકો વાપરવાં જોઈએ અને એ રીતે તમારી દલીલ પર ખાસ ભાર મૂકવો જોઈએ . 


ક્યારેક સરખામણીઓ , દષ્ટાંતો , ભૂતકાળના અનુભવો વગેરેનો પણ યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ ...

* પ્રશ્ન : 

         બિંદુની સિંધુમાં કશી વિસાત નથી એમ તો માની શકાય નહિ . સિંધુ બિંદુઓનો જ બનેલો છે . આપણા જ મતને લીધે સારો ઉમેદવાર એકની વધુમતીથી ચૂંટાઈ આવી શકે છે તે આપણે જાણતા નથી . વિચાર કરતાં જણાશે કે મત ન આપવો એ પણ મત આપવા બરાબર છે . ચૂંટણીનું જે પરિણામ આવવાનું તેમાં આપણા મતની ગેરહાજરી પણ ભાગ ભજવતી જ હોય છે . આપણો એક મત તે નાનકડી વસ્તુ છે , પણ તેની અસરકારકતા નગણ્ય છે એ માનવાની ભૂલ ન કરવી જોઈએ .

 * ઉત્તર : 

       હું દાવા સાથે કહેવા તૈયાર છું કે ' બિન્દુની સિંધુમાં કશી વિસાત નથી ' એ માન્યતા તદ્દન ભૂલભરેલી છે . આપણે એ વાત કદી ન ભૂલવી જોઈએ કે સિંધુ એ તો અનેક બિંદુઓથી બનેલો જળરાશિ છે . આ એક જ દૃષ્ટાંત મારી મૂળ વાતને સમજાવવા માટે કાફી છે કે ચૂંટણીમાં હર એક મતની પણ ભારે કિંમત છે . ’ આપણે સ્વપ્ને પણ એ વાત સામે આંખમીંચામણાં ન કરવાં જોઈએ કે આપણા જ એક મતને લીધે , સારો ઉમેદવાર એક મતની સરસાઈથી ચૂંટાઈ આવી શકે છે ! હું તો છાતી ઠોકીને કહેતો આવ્યો છું ને કહું છું કે - ' મત ન આપવો એ પણ મત આપવા બરાબર જ છે . ' આપણે સામી ભીંત પર લખી જોઈએ કે ચૂંટણીનું જે કાંઈ પરિણામ આવે તેમાં આપણા એક મતની ગેરહાજરી ઘણો મોટો ભાગ ભજવી જાય છે . કોઈ ભલે એમ કહેતું હોય કે આપણો એક મત એ નાનકડી વસ્તુ છે , પરંતુ તેની અસરકારકતા નગણ્ય છે એવો ખોટો ભ્રમ સેવીને તો આપણે હાથે કરીને આપણા પગ પર કુહાડો મારવાનું કામ કરીએ છીએ .


 

No comments:

Post a Comment