રાજ્યમાં હાલ ધો. ૧થી ૫ ગુજરાતી માધ્યમની વિધાસહાયક ભરતી પ્રક્રિયા ચાલી રહી હતી. ગત ૧૭ મેના રોજ ફાઈનલ મેરિટ લિસ્ટ બહાર પાડયા બાદ તા. ૨૨થી ૩૧ મે દરમ્યાન ગાંધીનગર ખાતે ઉમેદવારોને બોલાવી જિલ્લા પસંદગીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાર્ષિક પરીક્ષા પદ્ધતિના આધારે મેરિટ પસંદગીમાં ભૂલ થઈ હોવાની ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને એમાં તથ્ય જણાતા ભરતી સમિતિએ કરેલી ભૂલ સુધારવા સમગ્ર પ્રકિયા રદ્દ કરવામાં આવે છે.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગરના સભ્ય સચિવ દ્વારા જારી કરવામાં આવેલી સૂચનાંને ટાંકીને રાજ્યસંધના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ વિદ્યાસહાયક ભરતી (ધોરણ ૧થી ૫ ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૪ની ભરતી અન્વયે ધોરણ ૧થી પના ઉમેદવારોની જિલ્લા પસંદગીની પ્રક્રિયા તા.૨૨/૦૫/૨૦૨૫ થી શરૂ કરવામાં આવી હતી.
સદર જિલ્લા પસંદગીની પ્રક્રિયા દરમ્યાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાર્ષિક પરીક્ષા પદ્ધતિથી સ્નાતક થયેલ ઉમેદવારોની માર્કશીટમાં છેલ્લા ખાનામાં માત્ર ‘રિઝલ્ટ' શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલ હોવાના કારણે પ્રથમ વર્ષ, બીજા વર્ષ અને ત્રીજા વર્ષની માર્કશીટના કુલગુણ અને મેળવેલ ગુણનો સરવાળો કરી ટકાવારી કાઢતાં ઉમેદવારોના મેરિટમાં ફેરફાર થતા ઉમેદવારોમાં અસંતોષ થવાની શક્યતા હોવાથી કોઈ ઉમેદવારને અન્યાય ન થાય તે હેતુથી તા.૨૨/૦૫/૨૦૨૫ થી તા.૩૧/૦૫/૨૦૨૫ સુધી કરવામાં આવેલ જિલ્લા પસંદગીની પ્રક્રિયા રદ કરવાનો તેમજ વિદ્યાસહાયક ભરતીની પસંદગી પ્રક્રિયાના નિયમો તા.૨૦/૦૧/૨૦૧૭ ના જાહેરનામા મુજબ સ્નાતકની ત્રીજા વર્ષની માર્કશીટમાં દર્શાવેલ કુલ ગુણના આધારે જ મેરિટ ગણતરીમાં લઈ નવેસરથી જિલ્લા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવાનો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, ગાંધીનગરની તા. ૩૧/૦૫/૨૦૨૫ની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
No comments:
Post a Comment